ઉનાળાની રજાઓ શરૂ એટલે પરિવારજનો સાથે ફરવા જવાનો અનેરો આનંદ! હવે તમે વિચારશો કે આ કાળઝાળ ગરમીમાં ક્યાં જવું? જ્યાં ફરવા જવાનો આંનદ મળે અને શરીરને ઠંડક પણ મળે. આવું સ્થાન એટકે ગીરના જંગલમાં આવેલ જમજીરનો ધોધ. જેવી રીતે નાયગ્રાનો ધોધ પ્રખ્યાત છે બસ એવી જ રીતે ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે.
કહેવાય છે ને પાણી જેટલું મનમોહક હોય છે એટલું જ ખતરનાક પણ ખરું. ધોધની નજીક જવામાં મોટું જોખમ રહેલું છે. તેથી જ તે મોતનો ધોધ તરીકે ઓળખાય છે. માતે તેનાં નિકટથી દર્શન કરવાં જોખમથી ભરેલાં છે.આ ધોધમ શીંગવડો નદી વહે છે. આ નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મુળદ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગવડો નદી ગીર જંગલને ચીરીને ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આવેલા આ નદી પરનાં ડેમ શિંગોડ માં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક ડાઉન સ્ટ્રીમમાં જમજીરનાં ધોધ સ્વરૂપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ રૂપ ધારણ કરે છે.
ભગવાન પરશુરામની તપોભૂમિ અને તેમના પિતા જમદગ્નિ ઋષિનો આશ્રમ અહીં નજીકમાં જ આવેલો છે. જમદગ્નિ ઋષિનાં નામ પરથી જ આ ધોધનું નામ જમજીરનો ધોધ પડ્યું છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પરશુરામજીનાં માતા રેણુકા અહીથી જ વસ્ત્રમાં પાણી ભરીને આશ્રમે લઈ જતા હતા.અહીથી જ રાજા સહસ્ત્ર બાહુ જમદગ્નિ ઋષિ પાસે રહેલી કામધેનુ ગાય ઝુંટવીને લઈ ગયો હતો. ભગવાન પરશુરામ જ્યારે આશ્રમે પરત ફર્યા ત્યારે વિતક જાણી સહસ્ત્ર બાહું સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરી કામધેનુ ગાયને પાછી મેળવી પિતા જમદગ્નિ ઋષિનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જમજીરનાં ધોધ નજીક બારેમાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી રહે આ ધોધનું દ્રશ્ય જેટલું મનોરમ્ય છે એટલુંજ ભયાવહ પણ છે.જમજીરનો આ ધોધ કોડીનારથી 21 કિલોમીટર, જામવાળાથી 4 કિલોમીટર દૂર આવેલો છે.અહીં આવવા માટે સોમનાથથી કોડીનાર અને ઉનાથી પણ આવી શકાય છે. જમજીરનો આ ધોધ સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અહીં ઠેકઠેકાણેથી પર્યટકો કુદરતનો આ રમણિય નજારો નિહાળવા આવે છે.
30 ફૂટ ઉપરથી પડતી જળરાશીને નિહાળીને લોકો દંગ બની જાય છે.ધોધની પાછળના ભાગે નદીમાં ચોમાસા સિવાય કોઈપણ વ્યક્તિ ધુબાકા મારવાનો આંનદ લઈ શકે છે.જમજીરનો આ ધોધ ગુજરાતનો શ્રેષ્ઠ ધોધ છે. તેનો આસ્વાદ માણવા એક વખત અહીં આવવું જ રહ્યું.