આજે અમે આપને એક એવા ખેડૂતની વાત કરીશું કે તમે કહેશો સલામ છે આ ખેડૂતને! ખેતી કરતાં કરતાં 7 હજારથી વધુ પુસ્તકો વાંચી નાખ્યા. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના આંબવડ ગામમાં રહેતા 75 વર્ષના ઉકાભાઈ વઘાસીયા પુસ્તક પ્રેમને કારણે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. વાંચવાનો એટલો શોખ કે, એમનું આખુ ઘર જ પુસ્તકાલયમાં પરિવર્તિત થઇ ગયુ છે. 75 વર્ષની ઉંમર સુધીમાં એમણે જુદા-જુદા વિષય પરનાં 7 હજાર જેટલા પુસ્તકો વાંચી લીધા છે.
ઉકાભાઈ વઘાસિયાએ શ્રેષ્ઠ ભાવક(વાચક) તરીકેનું સન્માન મેળવ્યું છે. વાંચનના તેમના શોખના કારણે લેખકો પણ સામેથી અલભ્ય પુસ્તકો મંગાવે છે, તો પોતાના પુસ્તકોનું રિવ્યૂ પણ તેમની પાસે કરાવવાનો ખાસ આગ્રહ રાખતાં હોય છે. પોતાના જન્મ પહેલા જ ગુમાવી ચૂકેલા પિતા પાસેથી વારસામાં મળેલું વાંચન આજે ઉકા દાદા બૂક ક્લબ થકી નવી પેઢીને પણ વાંચનનું ઘેલું લાગે તે માટે અવિરત પ્રયાસ કરી રહ્યાં છે વર્ષ 1947માં જન્મેલા ઉકાભાઇએ ગામ આંબાવડમાં શરૂ થયેલી પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ નિશાળિયા તરીકે એડમિશન લીધું હતું. ત્યાર બાદ તેઓ માત્ર 3 ચોપડી ભણ્યા છે.
વાર્તા, નવલકથા, નવલિકા, વિવેચન, કવિતા, આત્મકથા, અછાંદસ અને રૂપાંતર વગેરે સાહિત્યના વિવિધ શેઢા પર એમણે વાંચનનું ખેડાણ કર્યું છે.ઉકાભાને નાનપણથી જ વાંચવાનો શોખ જાગ્યો હતો. પરંતુ, શરૂઆતમાં ધાર્મિક વાંચન વાંચવાની ટેવ હતી. ધીમે ધીમે ધાર્મિક વાંચન મને સાહિત્યથી લઈને તમામ પ્રકારના વાંચન ખેડાણ માટે આગળ લઈ ગયું હતું. ઉકાભાઈના ઘરે 50 જેટલા સામયિકો પણ આવે છે. છેલ્લા ચાર વર્ષથી ખેતીકામ છોડી દીધુ છે, નહીં તો ખેતરમાં પણ કામ સાથે પુસ્તકોનો પણ રસાલો જોવા મળે.
આઝાદીના એક મહિના અગાઉ જન્મેલા ઉકાભાઈને પિતા હરિભાઈ જોઈ શક્યા ન હતા. દીકરાના જન્મના 6 મહિના પહેલા જ મૃત્યું થયું હતું. પણ પિતાના કલેકશનમાં એડોલ્ફ હિટલરનું પુસ્તક હતું જેણે ઉકાભાઈના વાંચનના દ્વાર ખોલ્યાં હતા. ધો- 3 ભણ્યા બાદ ખેતીકામ ચાલુ થયુ અને સાથે સાથે પુસ્તક વાંચનનું ખેડાણ પણ.. શરૂઆતમાં વાર્તાઓ, ધાર્મિક કથાઓ વાંચતા અને પછી સાહિત્યની વિવિધ વિધાઓમાં સફર શરૂ થઈ… જે આજ પર્યંત ચાલુ છે.ઉકાભાઈ નાં સંતાનોના ઘરે પણ સંતાનો છે. આઝાદીના લડવૈયાઓને ખૂબ વાંચ્યા. વલ્લભભાઈ પટેલ વિષે પણ ખૂબ વાંચ્યું..જેથી સંતાનોના નામ પણ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈના નામ પર જ રાખ્યાં છે
પુસ્તકો મેળવવા લોકો માટે ઘરના બારણા હંમેશા ખુલ્લા રહે છે. ઘણા લોકો લઈ જાય છે તો ક્યારેક કોઈ પરત ન પણ આપે એવું બને, પરંતુ, અમે ઉઘરાણી નથી કરતાં પરંતુ એ વ્યક્તિ વાંચે અને વાંચનનો પ્રેમ તેમનામાં કેળવાય એ જ અમારા માટે મહત્વનું છે. મહુવામાં મોરારિબાપુ દ્વારા યોજાતા અસ્મિતા પર્વથી તેમની વાંચનની યાત્રામાં કવિઓ, લેખકોનો સથવારો મળ્યો. બધા સાથે પરિચય થતો ગયો. અમદાવાદમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પુરસ્કાર સન્માન સમારોહમાં એમને શ્રેષ્ઠ ભાવક(રીડર) તરીકેનું વિશેષ સન્માન મળ્યું.