ચોમાસાની સીઝનમાં જ્યારે પણ ફરવા જવાની વાત આવે ત્યારે પર્યટકોને સૌથી પહેલાં હિલ સ્ટેશન યાદ આવે છે. ગુજરાતમાં હિલ સ્ટેશનની વાત થાય ત્યારે સૌથી પહેલા બે નામ આપણા મનમાં આવે- એક તો સાપુતારા અને બીજું આબુ. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર આવેલું છે. જેનું નામ છે ‘ડોન’.
આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવતું છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા બધું જ ધરાવે છે. એટલે જ પ્રકૃતિની મોજ માણવા માટે ડોન હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ડોનની ઊંચાઈ 1000 મીટર છે. સાથે જ ડોન હિલ સ્ટેશનને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.
1000 મીટરની ઊંચાઇએ આવેલ આ જગ્યા સાપુતારા કરતાં 100 મીટર વધારે ઊંચાઇ ધરાવે છે. એમાંય પર્વતના ઢોળાવ અને ખડકોનો આકાર એવો છે કે ટ્રેકિંગ માટે ઉત્તમ રહે છે. એટલે જ જો તમને ટ્રેકિંગમાં રસ હોય તો એક વખત ડોન જરૂર જવા જેવું છે. હિલ સ્ટેશન તરીકે વિકાસ થઇ રહ્યો હોવાથી અહીં પેરાગ્લાઇડિંગ પેરા રોઇલિંગ ઝોર્બિંગ એટલે કે પારદર્શક ગોળામાં ગબડવાની મજા ઝિપલાઇનિંગ એટલે કે ઊંચા દોરડા પર સરકવાનો રોમાંચ કંઇક અનોખો જ હોય છે. પર્વતાળ વિસ્તારમાં રોમાંચક એક્ટિવિટી માટે અહીં સગવડ મળી રહે છે.
ગામના લોકો કહે છે કે એમણે તેમના વડીલો પાસેથી સાંભળ્યું હતું કે અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરૂ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઇને ‘ડોન’ તરીકે ઓળખાવા લાગી છે.
અહી અંજની પર્વત અને કુંડ પણ આવેલો છે, જેને હનુમાનજીનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. અહી માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, જેને કારણે અહી એક શિવલિંગ પણ છે. માત્ર એટલું જ નહીં અહી ભગવાન રામ અને માતા સીતાનાં પગલાં અને ડુંગરનાં નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહી અદ્ભુત પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે. ઝરણાં પર્વત પરથી વહીને નીચે ‘સ્વયંભૂ શિવલિંગ’ રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવમંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.